Monday, October 31, 2005

કાળીચૌદશ - નરક ચતુર્દશી


મિત્રો, આજે કાળીચૌદશ નો તહેવાર. દિવાળી પહેલાની રાત્રી. કેટલીક શ્રધ્ધા અને અંધશ્રધ્ધાઓથી ભરેલી. તેમ છતાં આ દિવસે પોતાના ઈષ્ટદેવના મંત્રનો તેમજ પૂજા પાઠ અને જાપ કરવાનો વિશેષ મહિમા હોય છે. અનેક સ્તોત્ર, સ્તૃતિ અને મંત્રો આ માટે સાઈટ પર મૂકી શકાય. વિધિ અને પૂજનની પધ્ધતિઓના તો પાના ભરાય. પણ એ તમામ વસ્તુઓને અહીં સાહીત્યની સાઈટ પર મૂકવાનો અવકાશ નથી. માટે જ, આજે શુધ્ધ સ્વરૂપે ભકિત ને લક્ષ્યમાં રાખીને શ્રી હનુમાન ચાલીસા નો પાઠ મૂકવામાં આવ્યો છે. દિવાળીને લગતા વિશેષ લેખો આવતીકાલે મૂકવામાં આવશે.

Sunday, October 30, 2005

આજે ધનતેરસ


આજે ધનપૂજન અને લક્ષ્મીપૂજનનો મંગલમય દિવસ. રીડગુજરાતી.કોમ રોજની જેમ હાજર છે આપની પાસે કંઈક નવું લઈને. આજે આપ વાંચશો. ધનતેરસની વ્રત કથા તેમજ રીડગુજરાતી.કોમના એક વાચક તરફ થી એક કવિતા. હમણાં વધારે કામકાજ રહેતું હોવાથી "મનની શાંતિ" ની રેગ્યુલર કોલમ આજે આપી શકાઈ નથી, જે માટે વાચકો માફ કરે. આવતીકાલે અમુક મીઠાઈઓ મુકવાનું આયોજન છે. અને દિવાળીએ સરસ મજાના નવા લેખો લઈને હાજર થઈશું.

Saturday, October 29, 2005

આજે વાધબારસ


દિવાળીની શરૂઆત થઈ ચૂકી છે. ઘરે ઘરે સરસ મજાની રંગોળીઓ પૂરાઈ રહી છે. ચારેબાજુ ધૂમધડાકાથી દિશાઓ ગાજી ઉઠી છે. અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે ફટાકડાના જોરદાર અવાજો આવી રહ્યા છે. બધા આવતીકાલે ધનતેરસની ધન પૂજાની તૈયારી કરવામાં વ્યસ્ત છે. તે સાથે સાથે હું આપને કંઈક નવું નવું આપવા માટે વ્યસ્ત છું. આજે રીડગુજરાતી.કોમ માં ખાસ કરીને "વાચકોના પત્રોનો વિભાગ" અપડેટ કર્યો છે. સાહિત્યમાં આજે વિદ્વાન કવિ અને લેખક શ્રી સુરેશભાઈ દલાલની એક કૃતિ અને "મમ્મી" નામનું કાવ્ય મને વાચકમિત્ર ઉત્તમભાઈ ગજ્જર તરફથી મળ્યા છે જે આપને આપી રહ્યો છું.

Friday, October 28, 2005

સ્વાદિષ્ટ ફરસાણ


મિત્રો, દેશ-વિદેશમાંથી મને રોજેરોજ અનેક ઈ-મેઈલ અને વાચકોની કૃતિ મળી રહી છે. આ માટે તમામ વાચકમિત્રો નો આભાર. બસ આમ જ અમને આપનો સહકાર આપતા રહેજો. આપનો અભિપ્રાય મારા ઉત્સાહમાં વધારો કરે છે. આજે એકાદશી છે. આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થાય છે. તેથી આજે રોજની જેમ અમુક ફરસાણ અને મીઠાઈઓની સાથે સાથે મનોરંજનની સામગ્રી પણ પીરસવામાં આવી છે. આ સામગ્રીની યાદી નીચે મુજબ છે.

Thursday, October 27, 2005

દિવાળી : ફરસાણ વિશેષ


વાચકમિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે આમ તો દિવાળીના તહેવારોની શરૂઆત તો અગિયારસથી જ શરૂ થઈ જાય. ઘરમાં સરસ મજાનાં ફરસાણ બનવા માંડે. અને એટલે જ આજે રીડગુજરાતી.કોમ તમને આપે છે સરસ મજાનાં ફરસાણ બનાવવાની રીત. પણ આ ખાલી આજને માટે નથી. આ તો હજી ત્રણ દિવસ ચાલશે. તમે માણશો રોજે રોજ નવા-નવા ફરસાણો અને મીઠાઈઓની રીત. બસ, વાંચો અને બનાવો.... પણ બનાવો ત્યારે મને ટેસ્ટ કરાવવાનું ભૂલશો નહિં હોં કે...

આ ફરસાણની સાથે છે બીજા પણ કેટલાક લેખો. ગુજરાતના પ્રમુખ યાત્રાધામ અંબાજીની માહિતી, ગાયત્રી મંત્રનો અર્થ, સંસ્કારી નગરી વડોદરાનો પરિચય અને એક સુવિચારોનું પુષ્પગુચ્છ.

(ઉપર આપેલા અંબાજી યાત્રાધામ, ગાયત્રી મંત્રનો અર્થ અને સંસ્કારી નગરી વડોદરા ના લેખના કોપીરાઈટ એન આર જી ટાઈમ્સ ના છે. એન આર જી ટાઈમ્સે તેમના કોપીરાઈટ લેખની લીંક મૂકવાની પરવાનગી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.)

Wednesday, October 26, 2005

ગઝલ સંગ્રહ


દિવાળી નજદિક માં હોઈ સહુ કોઈ દિવાળીની તૈયારીમાં મશગુલ છે. આ કારણસર આપના મનગમતાં અને રસપ્રદ વિભાગોને અપડેટ કરવાનું કામ ધીમી ગતિ એ ચાલી રહ્યું છે. પણ તેમ છતાં રોજ આપની પાસે કંઈક નવું રજૂ કરવાનું તો ચાલુ જ રહેશે. એ નિયમ પ્રમાણે આજે રીડગુજરાતી.કોમ માં છે વડોદરાના જ એક ગઝલકાર ની પોતાની વેબસાઈટ પર ના ગઝલસંગ્રહની માહિતી.

Tuesday, October 25, 2005

મુહૂર્તોની માહિતી


દિવાળી નજીકમાં છે ત્યારે, દેશ-વિદેશમાં રહેતા રીડગુજરાતી.કોમ ના વાચકોને ઉપયોગી થાય એ હેતુથી આજે દિવાળી ના શુભ મુહૂર્તોનું એક લીસ્ટ આપવામાં આવ્યું છે જે તમે વાંચી પણ શકો છો તેમજ જરૂર હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો. દિવાળીના મુહૂર્તોનું લીસ્ટ દેખાય એટલે દિવાળી ખૂબ નજીકમાં આવી ગઈ હોય તેમ લાગે. આ તો જાણે એવી વાત છે કે છોકરાઓને પરિક્ષાનો કાર્યક્રમ મળે ત્યારથી પરિક્ષા, એ.... આવી.....એ આવી..... તેમ લાગે ! આ સિવાય આજે છે આઠ સરસ મજાનાં કાવ્યો. તો ચાલો આપણે આ મહેફિલ ને માણીએ....

કાવ્યો

રીડગુજરાતી.કોમ - પહેલું પાનું

Monday, October 24, 2005

સામાજીક નિબંધો


સમાજ ને કંઈક સ્પર્શે અને સામાજીક જાગૃતિ વધે એ માટે આપણા સાહિત્યકારો સતત પ્રયાસ કરતાં રહે છે. રીડગુજરાતી.કોમ પર આજે કેટલાંક ચૂંટેલા સમાજીક નિબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂકસેવક તરીક પ્રખ્યાત બનેલા સ્વાતંત્ર્ય સેનાની રવિશંકર મહારાજની એકતાની વાત એકદમ સરળ શબ્દોમાં આપણને સામાજીક એકતાનો પાઠ શીખવી જાય છે. સર્વેશભાઈ વોરા એ સામાજીક વિભકતતા અને સંપ્રદાયો વચ્ચે ભેદભાવની વાતો પર પોતાના હ્રદયની વ્યથા ઠાલવી છે. લેખિકા બહેન શ્રીમતી વીણા શાહે અત્યારની જીવનપધ્ધ્તિ અને જાહેરખબરોની વાતો પર જબદસ્ત કટાક્ષ કર્યો છે. આ બધાનું જોઈને મને પણ કંઈક લખવાનું મન થઈ ગયું એટલે મેં યુવાનો માં પોતાના ક્ષેત્ર પ્રત્યે રૂચિ ઉત્પન્ન થાય એટલા માટે સફળતાની વાતો શક્ય એટલા સરળ શબ્દોમાં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. કવિવર હરીન્દ્ર દવેની પ્રખ્યાત કવિતા 'માધવ ક્યાંય નથી મધુવનમાં' એ આ બધા લેખોની સાથે રીડગુજરતીની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. અનિવાર્ય કારણોસર આજે દિપાવલી ના શુભમુહર્તોની વિગત આપી શકાઈ નથી જે આવતીકાલે આપવામાં આવશે.

Sunday, October 23, 2005

પુસ્તકાલય


બાકરોલ ગામના શ્રી જયંતીભાઈ પટેલે પોતાની ઘણી કૃતિઓની ખૂબ સુંદર વેબસાઈટ બનાવી છે. તો ચાલો આજે આપણે તેને જ માણીએ. પણ....હા આવતીકાલે રીડગુજરાતી.કોમ પર દિવાળીના શુભ મુહર્તોની માહીતી આપવામાં આવશે...બસ તો થોડી રાહ જુઓ.

Saturday, October 22, 2005

દીકરી એટલે દીકરી


દીકરી એટલે ખરેખર વહાલનો જ દરિયો. દીકરી એટલે બંને ઘરની વચ્ચે સેતુનું બંધન. રીડગુજરાતી.કોમના આજના આ 'દીકરી સ્પેશિયલ' કોલમ માં તમે માણશો, ત્રણ અદ્ભૂત નિબંધો - દીકરી વ્હાલનો દરિયો પુસ્તકમાંથી. આ લેખો વિશે મને આપના પ્રતિભાવોની આતુરતા રહેશે. આ સાથે વાચક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે મોકલેલી એક કૃતિ PDF ફોરમેટમાં "ખોવાયેલું પાકીટ" મૂકવામાં આવી છે. અંહી આપેલા ચિત્રમાં એવું વંચાય છે કે "વાચકમિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર તરફથી - ખોવાયેલું પાકીટ" એટલે એવું ના સમજતાં કે એમનું કોઈ પાકીટ ખોવાયું છે, ....... હોં કે !

Friday, October 21, 2005

બોધકથાઓ


રીડગુજરાતી.કોમ ને દેશ-વિદેશમાંથી અનેક પત્રો અને સૂચનો મળતાં જ રહે છે. પણ માત્ર એકલાં પત્રો જ મળે છે એવું નથી, વાચકો તેમની કૃતિ પણ મોકલાવી રહ્યા છે. આજે રીડગુજરાતી.કોમ માં એવા જ બે વાચકો શ્રી ઉદયભાઈ અને શ્રી નિતીનભાઈની કૃતિનો સમાવેશ કરાયો છે. ઉદયભાઈ ની બાળવાર્તા તેમજ નિતીનભાઈ નો વાસ્તુશાસ્ત્રલક્ષી લેખ - ખરેખર સુંદર છે. આ સાથે આજે છે બે સુંદર બોધકથાઓ, ગુજરાતી સાહિત્યના બે લોકપ્રિય લેખકો શ્રી ચંદ્રહાસ ત્રિવેદી અને શ્રી ફાધર વાલેસની કલમે. તો વાચકમિત્રો, ચાલો તૈયાર થઈ જાઓ, આજનું રીડગુજરાતી.કોમ વાંચવા...

Thursday, October 20, 2005

ભારતની સંસ્કૃતિ


સરસ મજા ના એક નિબંધ ની મારે તમને વાત કરવી છે. ક્યારેક હસાવે અને ક્યારેક રડાવે એવો નિબંધ "હીંચકે બેઠું મન ઝૂલ્યાં કરે" એક ખરેખર અદભૂત નિબંધ છે, જે આજે રીડગુજરાતી.કોમ ના પાનાં પર મૂકવામાં આવ્યો છે. લેખિકા રીનાબહેન મહેતા આપણને દૂનિયાથી દૂર ભાવના ના પ્રદેશમાં આપણો હાથ પકડી લઈ જાય છે. આટલી જ એક સુંદર સત્ય ઘટના છે ભાવનગર ના દિવાન પ્રભાશંકરની. તમને થોડા જકડી રાખે તેવી એક ત્રીજી કૃતિનું નામ છે..... પણ હું તમને શું કરવા કહું, તમે જાતે જ જોઈ લે જો ને ! કારણ કે.... વાત કહેવાય એવી નથી ! અને હા...આ સાથે આજે છે સાત ભજનો અને કાવ્યો નો રસથાળ.
ગદ્ય

પદ્ય

Wednesday, October 19, 2005

વિરામનો દિવસ !


યુગોથી માણસ મનની શાંતિની શોધમાં ફરતો રહ્યો છે. આ મનની શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તેના એક પ્રયાસરૂપે આજથી રીડગુજરાતી.કોમ પર એક ધારાવાહી કોલમ "મનની શાંતિના સચોટ ઉપાયો" શરૂ કરતાં અત્યંત આનંદ અનુભવું છું.
આ સિવાય, આજે રીડગુજરાતી.કોમ પર વિરામ નો દિવસ હતો. આજે ઘણું બધું મેઈન્ટેનન્સ નું કામ હતું. ઘણી બધી નકામી ફાઈલો મેઈન કૉમ્પ્યુટર પર થી દૂર કરવાની હતી. આ કારણસર સાઈટને બપોરે બે-ત્રણ કલાક બંધ કરવી પડી હતી. અમારા વાચકમિત્રોને પડેલી તકલીફ બદલ હું ક્ષમા ચાહું છું. રીડગુજરાતી.કોમ તમને સતત અને અવિરત નવીન સાહિત્ય ઉપલબ્ધ કરાવતું રહે તેના ભાગરૂપે આજે આ મેઈન્ટેનન્સ કરવું જરૂરી હતું. દિવાળી આવે છે એટલે અમારે પણ સાફસુફી તો કરવી જ પડે ને, લોકો ઘર સાફ કરે, અમે કૉમ્પ્યુટરની સાફસુફી કરી ! હવે પાછું બધું જેમ છે તેમનું તેમ થઈ ગયું. કાલે ફરી થી નવા લેખો, નવા કાવ્યો અને બીજું ઘણું બધું. ત્યાં સુધી.....આવજો.....

Tuesday, October 18, 2005

ભજનગંગા

પ્રાચીન ભજનોમાં એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ હોય છે. રીડગુજરાતી.કોમ પાસે આજે છે મીરાંબાઈ, નરસિંહ મહેતા અને નિષ્કુળાનંદજીના ભજનો. તદઉપરાંત, મહારાષ્ટના એક મરાઠી લેખક સુનીલ ગણદેવીકર નું 'મન અને અંતરમન' વિશે સુંદર ચિંતન. તો ચલો માણીએ.....

Monday, October 17, 2005

સુખ એટલે શું ?

સુખ એટલે શું ? સુખની શોધમાં ફરતાં માનવી ની મનોસ્થિતિ, ઉંમર પ્રમાણે બદલાતી સુખની પરિભાષા, જીવનમાં સુખ કેમ કરીને પ્રાપ્ત થાય - આવી બધી અનેક વાતો ને સમાવતો લેખિકા જયવતીબહેન કાજીનો એક અત્યંત સુંદર લેખ હું આપની સામે પ્રસ્તુત કરું છું. આ લેખ માટે મને આપના Feedback અને comments ની પ્રતિક્ષા રહેશે. લગભગ 4 થી 4.5 પાનનો આ લેખ કૉમ્પ્યુટર પર તૈયાર કરવામાં સારો એવો સમય ગયો તેથી આજે બીજા વિભાગોને અપડેટ કરી શકાયા નથી, પણ આપને આ લેખ ચોકકસ ગમશે એવી મને આશા છે.

Sunday, October 16, 2005

રસરંગ

આજે રીડગુજરાતી.કોમ માં તમે માણી શકશો હાસ્યરસથી તરબોળ એવા 6 થી 8 નવા જોકસ. સાથે સાથે સંત, મહાત્મા અને મહાપુરુષોની અદ્ભૂત વાતો 'સુવિચારોનું સરોવર' કોલમમાં. આજે 'વાચકોના પત્રો' વિભાગને પણ અપડેટ કરવામાં આવ્યો છે. નીચે આપેલ મુદ્દાઓ પર કલીક કરો અને વાંચો.

Friday, October 14, 2005

સુંદર પ્રેરકકથાઓ

આજે રીડગુજરાતી.કોમ પર છે સરસ મજાની ચાર પ્રેરકકથાઓ. કાન્તિલાલ કાલાણીની કલમે તમે માણશો જીવનમાં ધીરજનું મહત્વ. અત્યારના યુવાનો ને ખાસ ઉપયોગી થાય તેવી વાતો લેખકે સરસ મજાના દ્રષ્ટાંતોથી સમજાવી છે. અત્યારના માણસોના સ્વભાવની વિચિત્રતા 'રકઝક' માં અદ્ભુત રીતે સમજાવવામાં આવી છે. શબ્દ એ જ્યારે શસ્ત્રનું કામ કરે છે ત્યારે પરમાણું બોમ્બથી પણ વધારે ઘાતક નીવડે છે તે વાતનું શ્રી રમેશભાઈ પુરોહિતે સરળ શબ્દોમાં હ્રદય સ્પર્શી વર્ણન કર્યું છે. અને છેલ્લે 'કરમનું પોટલું' વાર્તામાં અભણ વાસણવાળી બાઈની પ્રમાણિકતા અને તેના વિવેક-જ્ઞાન સામે આપણા જેવા ભણેલાં લોકોનું માથું પણ શરમથી ઝૂકી જાય તેવી વાત છે.

ચલો ! તો તૈયાર થઈ જાઓ આ પ્રેરકગાથાઓનું રસાસ્વાદન કરવા. નીચે આપેલી લીન્ક કલીક કરો અને વાંચો.

સરસ મજાનાં કાવ્યો, લેખો અને એક વાનગી


ગઈકાલે અમેરિકા થી અમારા વાચકમિત્ર ઘર્મેશભાઈનો ઈ-મેઈલ આવ્યો. તેમણે લખ્યું હતું કે "બહુ દિવસ થઈ ગયા, ઘણા વખતથી પાણીપૂરી નથી ખાધી. કંઈક પાણીપુરી ની રેસીપી મૂકોને તો જલ્દી જોઈ-જોઈને ઘરે લોકો બનાવી શકે. અંહી વાનગીની ચોપડી શોધવા જવામાં ઘણો સમય જાય !"

તેમની ઈચ્છાને માન આપીને અમે આજે મૂકી છે : સ્વાદિષ્ટ અને ચટપટી પાણીપૂરી ની રેસીપી.

આ સાથે આજે રીડગુજરાતીમાં સામેલ છે 8 નવાં કાવ્યો, ગુજરાતના ધુરંધર કવિઓની કલમે. ગદ્ય વિભાગમાં તમે મજા માણી શકશો બે સુંદર લેખો : એક 'જ્ઞાનવૃક્ષ' લેખક : ફાધર વાલેસ અને બીજો લેખ છે : ' મનની કડવાશ દૂર થશે તો શત્રુઓ દૂર થશે ' લેખક : ભૂપત વડોદરિયા દ્વારા.

મિત્રો, રીડગુજરાતી.કોમ પર આપેલ લેખ કે કાવ્ય તમને ગમ્યાં કે નહીં તે તમે અમને લેખ અથવા કાવ્યની નીચે આપેલા Feedback પર કલીક કરીને જણાવી શકો છો. આ ઉપરાંત તે લેખ/કાવ્ય વિશે બીજા વાચકોને તમારો અભિપ્રાય આપવા માટે તમે લેખ/કાવ્ય ની નીચે આપેલ comment પર કલીક કરીને આપનો અભિપ્રાય પોસ્ટ કરી શકો છો. મને તમારા સુચનો અને અભિપ્રાયોની પ્રતિક્ષા રહેશે.

નીચે આપેલી લીન્ક પર કલીક કરો અને આપના મનપસંદ વિભાગો વાંચો.

Monday, October 10, 2005

દશેરા - સ્પેશિયલ

તા-6 થી રીડગુજરાતી.કોમ શરૂ કર્યા બાદ, વાચકોના પત્રો અને અભિપ્રાયો મળતા રહ્યા. નવરાત્રી દરમ્યાન સાઈટ પર મુકાયેલા પ્રાચીન ગરબા વાંચવાની ઘણા બધા વાચકોને મજા પડી. ઘણા લોકોએ તો ગરબાની પ્રીન્ટ આઉટ પણ લીધી. વાચકોનો આવો ઉમળકો જોઈને અમે આ દશેરા નિમિત્તે વાચકો માટે લાવ્યા છે, બે સરસ મજાની વાનગીઓ, જે તમને સાંભળતા જ મોઢાંમાં પાણી આવી જશે. આ બે વાનગીઓ છે જલેબી અને કંસાર. તો ચાલો ! નીચે આપેલી લીન્ક ને કલીક કરો અને માણો મજા દશેરા સ્પેશિયલ વાનગીઓની.

Thursday, October 06, 2005

રીડગુજરાતી.કોમ તૈયાર છે !

અમારા વાચકો માટે આજે આનંદનો અવસર છે, કારણકે અમે આજે લઈને આવ્યા છે રીડગુજરાતી.કોમ એક નવા જ રૂપરંગમાં અને નવા જ અંદાજમાં.

અત્યારે આ ગુજરાતી સાહિત્યની વેબસાઈટમાં છે 10 ગુજરાતી લેખો, 12 થી પણ વધુ કવિતાઓ, 20 થી પણ વધુ ગુજરાતી સાહિત્યને લગતી ફાઈલો જેમાંથી આપ મનપસંદ લેખ ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત સુવિચારોનું સરોવર, જોકસ, ઘરગથ્થુ નુસખાઓ, વાચકોના પત્રો અને બીજું ઘણુ બધું.

અને હા મિત્રો, હવે તમે જે લેખ આ વેબસાઈટ પર વાંચો, તેની માટે કોમેન્ટસ પણ પોસ્ટ કરી શકો છો જેની અમને આપની પસંદગીની જાણ રહે.

આપના અભિપ્રાયો અમને તુરંત જણાવો. આપ જો કંઈક લખતા હોવ તો આ સાઈટ માં "લેખકોને આમંત્રણ" નામનો વિભાગ વાંચી અમને આપની કૃતિ જેમ બને તેમ જલ્દી પહોંચાડો, અમે તેને અમારી સાઈટ પર પ્રકાશિત કરીશું.

આપના મિત્રો ને આજે જ જ્ણાવો : ગુજરાતી સાહિત્યને લગતી વેબસાઈટ રીડગુજરાતી.કોમ


તંત્રી : મૃગેશ શાહ, વડોદરા ઈ-મેઈલ : shah_mrugesh@yahoo.com

Monday, October 03, 2005

ગુજરાતી સાહિત્યનું સંકલન

તા. 06-10-2005 થી અમે લઈને આવીએ રીડગુજરાતી.કોમ જેમાં હશે વાંચન નો રસથાળ. ગુજરાતી કાવ્યો, ગુજરાતી પ્રેરકગાથાઓ, પસંગકથાઓ અને જોકસ તથા બીજું ઘણું બધું.

લેખક : મૃગેશ શાહ
વડોદરા